પોલીસ તપાસ દરમિયાન બંને માછીમારી બોટો ધંધા ખારના કારણે સળગાવી નાખ્યાનું માલુમ પડ્યું: બેડી મરીન પોલીસ સહિતની સંયુક્ત પોલીસ ટીમે બળી ગયેલી એક બોટને શોધી લીધી: બીજી બોટની શોધખોળ: માછીમારી કરવાના એરીયા સંબંધે વાંધો પડતાં મનદુખ રાખીને બોટ સળગાવી નાખનાર આરોપીને પોલીસે શોધી કાઢ્યો

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર જિલ્લાના જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહીને માછીમારી નો વ્યવસાય કરતા એક વાઘેર માછીમાર યુવાનની જોડિયા પંથકના દરિયામાં લાંગરેલી રૂપિયા એક લાખ વીસ હજારની કિંમતની બે માછીમારી બોટ ચોરી થઈ ગયા ની ફરિયાદ બેડી મરીન પોલીસ મથકમાં નોંધાવાઇ હતી, જે ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે, અને તેમાં નવો વણાંક આવ્યો છે. માછી મારીના ધંધા ખાર ના કારણે અન્ય માછીમારે બંને બોટોને સળગાવી નાખી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જે આરોપીને પોલીસે ઝડપી લીધો છે, અને દરિયામાંથી એક બોટ કબજે કરી છે, જ્યારે અન્ય બોટની શોધખોળ ચલાવાઇ રહી છે.

જોડીયા તાલુકાના બાલંભા ગામમાં રહેતા અને માછીમારીનો વ્યવસાય કરતા સલીમ મુસાભાઇ ચાવડા (ઉ.વ.૩૯) કે જેણે માછીમારી કરવા માટેની બે બોટો ૧, પિરાણી જેની એકલાખની કીમત તેમજ ૨, કિસ્મત કે જેની કિંમત ૨૦,૦૦૦ થાય છે, જે જોડિયા તાલુકાના બાલંભા ગામ પાસેના દરિયામાં લાંગરેલી હતી, ત્યાંથી કોઈ તસ્કરો ચોરી કરી ગયા હોવાથી બેડી મરિન પોલીસ મથકમાં ચોરી અંગેની ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત બોટની ચોરી અંગે જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ અને ડીવાયએસપી જે.એન. ઝાલા ના માર્ગદર્શન હેઠળ એલસીબીના પી.આઈ. વી.એમ. લગારીયા તેમજ એસઓજીના પીઆઈ બી.એન. ચૌધરી અને બેડી મરિન પોલીસ સ્ટેશનના પીએસઆઇ વી.એસ. પોપટની આગેવાની હેઠળ સંયુક્ત પોલીસ ટીમ દ્વારા સમગ્ર બેડીથી જોડિયા સુધીના દરિયામાં તપાસ હાથ ધરવામાં આવી હતી.

જે દરમિયાન એક બોટ જોડિયા નજીકના દરિયામાંથી અર્ધ બળેલી અવસ્થામાં મળી આવી હતી, જે બોટને દરિયામાંથી બહાર કાઢીને જોડિયાના દરિયા કાંઠે લાવવામાં આવી રહી છે, જ્યારે અન્ય બોટની સમગ્ર પોલીસ ટીમ  દ્વારા શોધખોળ ચલાવાઇ રહી છે. પોલીસની વધુ તપાસમાં બોટને સળગાવી નાખવાનું કારસ્તાન સામે આવ્યું હતું, અને તેનો પણ ખુલાસો થઇ ગયો હતો. જોડિયાના બાલંભા ગામમાં સમગ્ર પોલીસ ટીમની ઊંડાણપૂર્વકની તપાસ તેમજ હ્યુમન સોર્સિસની મદદના સહારે એવું જાણવા મળ્યું હતું કે બાલંબા ગામમાં રહેતો અસગર અલ્લારખા ચાવડા કે જેને દરિયામાં માછીમારી કરવા માટે ચોરાઉ બોટના માલિક સલીમ મુસા સાથે વાંધો પડ્યો હતો, અને એકબીજાની બોટની માછી મારી ની હદ માટે તકરાર ચાલતી હતી. જે તકરારના અનુસંધાને સલીમભાઈ ચાવડા દ્વારા જોડિયા પોલીસ મથકમાં આરોપી અસગર અને તેના પરિવારના છ સભ્યો સામે અરજી કરવામાં આવી હતી, અને જે અરજીના અનુસંધાને જોડિયા પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી લીધી હતી, અને લોકઅપમાં બેસાડ્યા હતા.જેને લોકઅપમાં રાતવાસો કરવો પડ્યો હતો.

જેનું મન દુઃખ રાખીને અસગર ચાવડાએ દરિયામાં પાણી ઓછું હતું ત્યારે બે કિલોમીટર સુધી પગપાળા અંદર ચાલીને કિસ્મત તેમજ પીરાણી બોટમાં ડીઝલનું પ્રવાહી છાંટી ગાદલા ગોદડા વગેરેની મદદથી બંને બોટો સળગાવી દીધી હતી, અને તેમના રસા પણ બાળીને છોડી નાખ્યા હતા. તેમજ દરિયાની અંદર બોટને જવા દીધી હતી. પરંતુ પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે સમગ્ર ભાંડો ફૂટી ગયો હતો. અને આરોપી અસગરને ઝડપી લેવાયો છે. જેને અદાલત સમગ્ર રજૂ કરી એક દિવસના રિમાન્ડ પર લેવાયો છે. જેની વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.

દરિયામાં ડૂબેલી બોટને શોધવા માટે એસઓજી સહિતની પોલીસ ટુકડીએ ડ્રોન કેમેરાનો ઉપયોગ કર્યો

દરિયામાં લાપતા બની ગયેલી બંને બોટને શોધવા માટે જામનગર એસઓજીની ટીમ એલસીબીની ટીમ તથા બેડી મરિન પોલીસ સ્ટેશનની ટુકડી દ્વારા બોટનો ઉપયોગ કરાયો હતો, અને દરિયો ફંફોળવામાં આવ્યો હતો. સાથો સાથ ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી હતી, અને આસપાસના દરિયામાં ડ્રોન ઉડાવીને તેના વડે નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, અને આખરે એક બોટ મળી ગઈ હતી. જ્યારે બીજી બોટની પણ નિશાનીઓ મળી છે, અને તેને દરિયાના પાણીમાંથી બહાર કાઢવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. જેના માટે ફરીથી ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવશે. તેમ જાણવા મળી રહ્યું છે.