એલસીબીની ટીમે તે જ વેપારીને ત્યાં કામ કરી ચૂકેલા પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો: અન્ય ટાબરિયો પણ સામેલ હતો

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગર નજીક હાપા માર્કેટિંગ યાર્ડમાં આવેલી એક વેપારી પેઢીમાં પરમદીને રાત્રિ દરમિયાન રૂપિયા પાંચ લાખની રોકડ રકમની ચોરી થઈ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ હતી, જે ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં જ એલસીબીની ટુકડીએ ઉકેલી નાખ્યો છે, અને તે જ પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા એક પૂર્વ કર્મચારીને પાંચ લાખની રોકડ સાથે ઝડપી લીધો છે. જેની સાથે એક ટાબરીયો પણ ચોરીમાં સામેલ હોવાથી તેની સામે કાર્યવાહી હાથ ધરાઈ છે.

જામનગર નજીક દડીયામાં રહેતા અને હાપા માર્કેટિંગ યાર્ડમાં સંજય ટ્રેડિંગ કંપની નામની પેઢી ચલાવતા ભરતભાઈ મનસુખભાઈ નંદાની પેઢીમાંથી પરમદીને રાત્રિ દરમિયાન કોઇ તસ્કરો વેપારની રાખેલી રૂપિયા પાંચ લાખની રોકડ રકમ ચોરી કરી લઈ ગયાની ફરિયાદ પંચકોશી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ હતી.

જે ફરિયાદના અનુસંધાને એલસીબીની ટુકડી તપાસમાં જોડાઈ હતી, અને પેઢીમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા વગેરે ચેક કર્યા હતા, ત્યારે હરદીપભાઈ બારડ, મયુરસિંહ પરમાર અને રૂષિરાજસિંહ વાળાને બાતમી મળતા પીઆઈ વી.એમ. લગારીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન. મોરી અને એ.કે. પટેલની સૂચનાથી કેટલાક પુરાવાઓના આધારે તેજ પેઢીમાં અગાઉ કામ કરી ચૂકેલા અને હાલ હાપા ખારી વિસ્તારમાં રહેતા તેમજ માર્કેટિંગ યાર્ડમાં મજૂરી કામ કરતા શંકર રમેશભાઈ ધાધલપરા નામના શખ્સની અટકાયત કરી લીધી હતી, અને તેની પાસેથી રૂપિયા પાંચ લાખની રોકડ રકમ એક એકટીવા સ્કૂટર તેમજ મોબાઇલ ફોન વગેરે કબજે કરી લીધા હતા.

પોલીસની પૂછ પરછ દરમિયાન પોતે અગાઉ જ્યારે આ પેઢીમાં કામ કરતો હતો, ત્યારે પોતે જાણતો હતો કે વેપારી દ્વારા પોતાની પેઢીમાં રોકડ રકમ રાત્રિના સમયે રાખી મુકવામાં આવે છે, અને જેને લોક કર્યા પછી ચાવી પણ એક સ્થળે સંતાડીને રાખવામાં આવે છે. જયારે તેઓની ઓફિસનો પાછળનો દરવાજો પણ ખુલ્લો રહે છે, જે સમગ્ર જાણકારીના આધારે પરમદીને રાત્રિના પોતે ચોરી કરવા ઘુસ્યો હતો. જેણે પોતાના માથા પર ચાદર ઢાંકીને રાખી હતી, અને સીસીટીવી કેમેરા વગેરે ક્યાં લગાવેલા છે, તે જાણતો હોવાથી પોતાનું મોઢું-ચહેરો વગેરે સંતાડીને અંદર ઘુસ્યો હતો, અને રોકડ રકમની ચોરી કરીને ભાગી છૂટ્યો હતો. પરંતુ એલસીબીની તપાસના અંતે તેને ઝડપી લીધો હતો. જેની સાથે એક ટાબરીયો પણ ચોરી કરવા માટે સાથે આવ્યો હોવાથી પોલીસ દ્વારા તેની સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.