જામનગર આવેલા અમદાવાદના વકીલ ઉપર નગરના જ એક વકીલ સહિત બે શખ્સો દ્વારા હુમલો કરાયો

જામનગર મોર્નિંગ - જામનગર

જામનગરમાં અસીલનો કેસ લડવા બાબતે શનિવારે સાંજે બે વકીલો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં અમદાવાદના વકીલ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. આ અંગે જામનગરના એક વકીલ સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવ અંગેની વિગત એવી છે કે, આ કામના ફરીયાદી અમદાવાદના વકીલ હરિભાઈ જોઇતાભાઈ પટેલ શનિવારે પોતાના કેસના કામ માટે અમદાવાદથી જામનગર આવ્યા હતા. ત્યારે આરોપી એડવોકેટ ચુડાસમા તથા એક અજાણ્યો શખ્સ ફરીયાદી વકીલને લાલ બંગલો કોર્ટની સામે વિનુ માંકડના પુતળા પાસે આવીને ઉભા રાખીને કહ્યું હતું કે તમે આમારા અસીલના કેશ કેમ લો છો? જેથી ફરીયાદી હરિભાઈ પટેલે એમ જણાવ્યું હતું કે અસીલો મને વકીલ તરીકે રોકવા માટે મારી પાસે આવ્યા હતા. આથી મે તેમનો કેસ લીધેલો હતો. તેમ કહેતાં આરોપી એડવોકેટ ચુડાસમાએ ફરીયાદીને માથાના ભાગે તથા કમરના ભાગે માર મારી ઝાપટ મારી હતી. અન્ય એક આરોપીએ પણ ફરીયાદી સાથે ઝપાઝપી કરી ગાળો આપી, મોઢા ઉપર અને ગાલ પર ઝાપટ મારી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આથી અમદાવાદના વકીલ હરિભાઈ પટેલે જામનગરના એડવોકેટ ચુડાસમા સહિત બે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.