ગઈકાલે બપોરે બે લૂંટારુઓ પ્રૌઢ મહિલાના મોઢે ડૂચો દઈ ઘરમાંથી એક લાખની રોકડ અને સોનુ સહીત ૧૪ લાખની મતા ઉઠાવી ગયા: ઘરમાં હાજર રહેલી પુત્રવધુ તેમજ પૌત્રને છરીની અણિએ ધમકી આપી ત્રણ વર્ષના બાળકને લૂંટારૂઓએ ઇજાગ્રસ્ત બનાવ્યો: સમગ્ર મામલો પોલીસ મથક સુધી પહોંચ્યા પછી પોલીસ તંત્રએ નાકાબંધી કરીને બે લૂંટારુઓને અટકાયતમાં લીધા

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા એક વ્હોરા કારખાનેદારના બંગલામાં આયુર્વેદિક દવા આપવાના બહાને બે લુટારુઓ ઘુસ્યા હતા, અને પ્રૌઢ મહિલાને મુઢ માર મારી મોઢે ડુચો દઇ ઘરમાંથી એક લાખની રોકડ રકમ અને સોનુ વગેરે સહિત રૂપિયા ૧૪ લાખની માલમતાની લૂંટ ચલાવી ગયા હતા.  બંને લૂંટારોએ ઉપરના માળે રહેલા પ્રૌઢ મહિલાના પુત્ર વધુ તેમજ પૌત્રને છરીની અણીએ ધમકી આપી મારકુટ કરી હતી, જેમાં ત્રણ વર્ષનો બાળક લોહી લુહાણ બન્યો હતો. સમગ્ર મામલો પોલીસમાં મથકે પહોંચ્યા પછી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી નાકાબંધી કર્યા બાદ બે લૂંટારુઓને વહેલી સવારે પોરબંદર પંથકમાંથી ઝડપી લીધા છે, અને ગણતરીના કલાકોમાં જ લૂંટની ઘટનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં તારમામદ સોસાયટી વિસ્તારમાં રહેતા અને બ્રાસપાર્ટનું કારખાનું ચલાવતા મુસ્તફાભાઈ નુરુદ્દીનભાઈ અતરિયા દાઉદી વ્હોરા કે જેઓ ગઈકાલે પોતાના કામસર બહાર ગામ ગયા હતા, ત્યારે તેમના પુત્ર અબ્બાસભાઈ મુસ્તફા કે જેઓ બ્રાસપાર્ટના કારખાને ગયા હતા. દરમિયાન બપોરે ૧૨.૦૦ વાગ્યાને ૨૦ મિનિટે તેઓના બંગલામાં બે અજાણ્યા શખ્સો આયુર્વેદિક દવા આપવાના બહાને ઘૂસ્યા હતા, અને ઘરમાં હાજર રહેલા મુસ્તફાભાઈના પત્ની ફરીદાબેન (ઉ.વ. ૫૮)ને વાતચીત કર્યા પછી તેઓના મોઢામાં કપડું ભરાવી દઇ માર મારી ઘરમાં લૂંટ ચલાવી હતી.

ફરીદાબેનનું ગળું દબાવવાનો પ્રયત્ન કરી તેમની પાસેથી તિજોરીની ચાવી માંગી લીધી હતી, જે નાના પર્સમાં રાખી હતી તે ચાવી કાઢીને તિજોરીમાંથી એક લાખ રૂપિયાની રોકડ રકમ તેમજ સોનાનું બીસ્કીટ અને અન્ય નાના-મોટા સોનાના ઘરેણાંઓ વગેરે સહિત ૧૪ લાખની લૂંટ ચલાવી હતી. એક લૂંટારો પ્રૌઢ મહિલાને પકડીને ઉભો હતો, જ્યારે બીજો લૂંટારો તિજોરીમાંથી લુંટ ચલાવતો હતો. ત્યારબાદ ઉપરના માળે તપાસ કરતાં ફરીદાબેનના પુત્રવધુ ફાતેમાબેન (૩૨) પોતાના પુત્ર બુરહાન (ઉંમર ત્રણ વર્ષ) સાથે હાજર હતી. જે બંનેને પણ છરીની અણીએ ધમકી આપી મોઢે ડૂચા દઈ દીધા હતા, અને મારફૂટ કરી હતી. જેમાં ત્રણ વર્ષના બાળકને લોહી નીકળવા લાગ્યું હતું. ત્યારબાદ બંને લૂંટારુઓ ભાગી છૂટ્યા હતા. 

સમગ્ર મામલાની જાણ થતાં ભારે દોડધામ થઈ હતીઝ અને સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરીદાબેને જાણ કરતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓની મદદથી ચો તરફ નાકાબંધી કરીને શોધખોળ શરૂ કરી હતી. જેમાં પોલીસને ધ્યાનમાં આવ્યું હતું, કે બે લૂંટારુઓ બાઈકમાં આવીને લૂંટની ઘટનાને અંજામ આપીને પોરબંદર તરફ ભાગ્યા છે, જેથી જામનગરના એસ.પી. પ્રેમસુખ ડેલુ તેમજ સીટી ડીવાયએસપી જે.એન. ઝાલાના માર્ગદર્શન હેઠળ પોલીસની એક ટુકડીએ તપાસનો દોર પોરબંદર સુધી લંબાવ્યો હતો, અને બે લૂંટારોની અટકાયત કરી લઈ જામનગર લઈ આવ્યા હતા, અને ગણતરીના કલાકોમાં લૂંટના બનાવનો ભેદ ઉકેલી નાખ્યો હતો. જે બંને આરોપીઓની હાલ વધુ પૂછપરછ ચલાવવામાં આવી રહી છે.