જામનગર-કાલાવડ અને રિલાયન્સના ચાર ફાયર ફાઈટરની મદદથી બે કલાકની જહેમત બાદ આગને કાબુમાં લેવાઇ
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-લાલપુર હાઇવે રોડ પર ચેલા-ચંગા ગામના પાટીયા પાસે આવેલા ડેકોર બ્રાસ ઇન્ડસ્ટ્રીઝ પ્લેટીંગ લિમિટેડ નામના બ્રાસપાટના એકમમાં શુક્રવારે બપોરે ૨.૧૫ વાગ્યાના સમયે અકસ્માતે આગ લાગી હતી. ઇલેક્ટ્રિક શોર્ટસર્કિટ થવાના કારણે આગ શરૂ થયા બાદ પુઠા પ્લાસ્ટિક વગેરેનો પેકેજીંગનો જથ્થો ઝડપભેર સળગવા લાગ્યો હતો, અને આગની મોટી લબકારાઓ દેખાઇ હતી.
જે બનાવ અંગે સૌ પ્રથમ જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડને જાણ કરાતાં ફાયર શાખાની ટુકડી તાબડતોબ બે ફાયર ફાઈટર સાથે પહોંચી હતી, પરંતુ તે દરમિયાન આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી કાલાવડ ફાયર ફાઈટર તેમજ રિલાયન્સના ફાયર ફાઈટરને બોલાવાયા હતા, અને કુલ ચાર ફાયર ફાઈટરની મદદથી આશરે ૧૫ જેટલા ફાયરના જવાનોએ સતત બે કલાકની જહેમત લઈને આગ પર કાબુ મેળવ્યો હતો. પરંતુ તે આગમાં એક યુનિટનો બ્રાસ સહિતનો સામાન તથા મશીનરી વગેરે ભસ્મીભૂત થયા હતા. જોકે બાજુમાં જ આવેલા અન્ય યુનિટ વગેરેને બચાવી લેવાયા હતા. બ્રાસની પેઢીના એકમના સંચાલકોના જણાવ્યા અનુસાર અંદાજે ૮થી ૧૦ કરોડનું નુકસાન થયાનું અનુમાન લગાવાયું છે.
0 Comments
Post a Comment