જામનગરમાં દિગ્જામ સર્કલ નજીક ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં દારૂના ધંધાર્થીઓને ઝેર કરવા પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન

એલસીબી એસઓજી તથા શહેરના ત્રણેય પોલીસ ડિવિઝનના વિશાળ પોલીસ કાફલા સાથે સર્ચ ઓપરેશન હાથ ધરાતાં ગુન્હેગારોમાં દોડધામ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગર શહેરના દિગજામ સર્કલ સહિતના આસપાસના વિસ્તારોમાં દેશી દારૂની પ્રવૃત્તિ અંગે અનેક ફરિયાદો મળતી હોવાથી ગઈકાલે ગુરુવારે જામનગર શહેરની પોલીસની મોટી ટીમ દ્વારા મેગા સર્ચ ઓપરેશન અને કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેથી દેશી દારૂના ધંધાર્થીઓ તેમજ અન્ય ગુનેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી.

શહેર વિભાગના ડીવાયએસપી જે.એન. ઝાલાની રાહબરી હેઠળ એલસીબીના પીઆઇ અને તેઓની ટીમ, ઉપરાંત એસઓજી શાખાના પીઆઇ અને તેમની ટીમ, પેરોલ ફર્લોના સ્ટાફ ઉપરાંત શહેરના સિટી એ ડિવિઝન અને બી તેમજ સી ડિવિઝનના તમામ પોલીસ સ્ટાફ વગેરેને સાથે રાખીને અલગ અલગ ટુકડીઓ બનાવી સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો, અને સામુહિક રીતે દરોડા પાડવામાં આવ્યા હતા. 

પોલીસના આ મેગા ઓપરેશનને લઈને ગુન્હેગારોમાં ભારે નાશ ભાગ મચી ગઈ હતી. પોલીસ દ્વારા કેટલાક ઝુપડા વગેરે સ્થળ પરથી દેશી દારૂનો જથ્થો અથવા તો તેને લગતી સામગ્રી વગેરે કબજે કરી લેવામાં આવી હતી, જ્યારે કેટલાક દારૂના ધંધાર્થીઓને પોલીસે સકંજામાં લઈ લીધા છે, તેમ જ કેટલાક મહિલા સહિતના દારૂના ધંધાર્થીઓ ભાગી છુટ્યા હોવાથી પોલીસ દ્વારા તેઓને શોધવા માટેની કવાયત ચાલી રહી છે.