મોડી રાત્રે ચોરી કરવા આવેલા બે તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી ફૂટેજ મેળવી પોલીસ દ્વારા તસ્કરોની શોધખોળ

જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં રણજીતસાગર રોડ પર આવેલા એક બાઈકના શોરૂમમાં બે દિવસ પહેલાં રાત્રી ના સમયે ત્રાટકયા હતા, અને શોરૂમ તથા સર્વિસ સ્ટેશનમાંથી કુલ ૨,૩૭,૪૪૦ની રોકડ રકમની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવાઈ છે. મોડી રાત્રે આવેલા તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાથી તેના ફૂટેજ મેળવીને પોલીસ દ્વારા તસ્કરોને પકડવા માટેના ચક્રો ગતિમાન કરાયા છે.

જામનગરમાં રણજીત સાગર રોડ પર આવેલા અવધ ઓટો મોબાઈલ શો રૂમમાં ૧૪મી તારીખે રાત્રિના સમયે તસ્કરો ત્રાટક્યા હતા અને શોરૂમના પાછળના ભાગે આવેલું શટર ઉચકાવી પ્રવેશ મેળવી લીધો હતો, અને કાઉન્ટરમાં રાખેલી રૂપિયા ૨,૧૮,૩૦૦ની રોકડ રકમ ની ચોરી કરી લીધી હતી. ત્યારબાદ બાજુમાં જ આવેલા  વર્કશોપમાંથી પણ રૂપિયા ૧૯,૧૪૦ મળીને કુલ ૨,૩૭,૪૪૦ની રોકડ રકમ ની ચોરી કરી લઈ ગયા હતા.

જે ચોરીના બનાવ અંગે શોરૂમના મેનેજર દીપકભાઈ અનિલભાઈ લખીયરે સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ. એમ.કે. બ્લોચ પોતાની ટીમ સાથે બનાવના સ્થળે દોડી ગયા હતા, અને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

 શોરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતાં તેમાં રાત્રિના પોણા ત્રણેક વાગ્યાના અરસામાં બે તસ્કરો ચોરી કરવા માટે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું, આથી પોલીસે તે ફૂટેજ મેળવી લઈ ઉપરોક્ત વર્ણનના આધારે તસ્કરોને શોધી કાઢવા માટેની કવાયત હાથ ધરી છે.