નશાબાજો પર લગામ કસવાના ભાગરૂપે લાલપુર બાયપાસ ચોકડી સહિતના હાઈવે રોડ પર સઘન ચેકિંગ હાથ ધરાયું: ગઈ રાત્રે પોલીસે દેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલી સાત મહિલા આરોપીઓ સામે કેસ કર્યા: કુલ દારૂ અંગે ૧૩ ગુન્હા નોંધાયા: લાલપુર હાઈવે રોડ પર ડ્રીંક એન્ડ ડ્રાઇવના પાંચ કેસ નોંધાયા: જયારે એક શખ્સ પીધેલો મળી આવ્યો
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર શહેર અને જિલ્લામાં ૩૧ ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે નશાખોરો પર લગામ કસવાના ભાગરૂપે તેમજ ૩૧ ડિસેમ્બરની ઉજવણીમાં કોઈ શખ્સ છાકટાવેડા કરીને અન્ય કોઈ વ્યક્તિને પરેશાન ન કરે, તે સમગ્ર બાબતની તકેદારી રાખવાના ભાગરૂપે ગઈકાલે રાત્રે પોલીસ તંત્ર દ્વારા ચોતરફ પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. ખાસ કરીને લાલપુર બાયપાસ ચોકડીથી લાલપુર માર્ગે લાલપુરના એએસપી શ્રી પ્રતિભા દ્વારા વાહન ચેકિંગ કરાયું હતું. જેમાં ટ્રાફિક શાખાના પીઆઇ એમ.બી. ગજજર અને તેઓની ટીમ પણ જોડાઈ હતી.
પોલીસ તંત્ર દ્વારા હાઇવે રોડ પરથી પસાર થતા તમામ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યો હતું જેમાં પાંચ વાહન ચાલકો દારૂનો નશો કરીને વાહન ચલાવતાં મળી આવ્યા હોવાથી તેઓના વાહનો કબજે કરી લેવામાં આવ્યા હતાઝ અને ડ્રીંક એન્ડ ડ્રાઈવ ના કેસ કરાયા છે. જ્યારે અન્ય એક પીધેલો મળી આવ્યો હોવાથી તેની સામે પણ દારૂબંધી ભંગ અંગેનો કેસ કરાયો છે.
આ ઉપરાંત ટ્રાફિક નિયમન ભંગ અંગેના કેટલાક વાહન ચાલકો દંડાયા હતા, તેઓ પાસેથી સ્થળ પર જ દંડની વસૂલાત કરવામાં આવી હતી. ત્યારબાદ ઈંગ્લીશ દારૂની હેરાફેરી અંગેના સાત કેસ કરાયા હતા, જેમાં સાત આરોપીઓની ઇંગ્લિશ દારૂ સાથે અટકાયત કરી લેવામાં આવી છે, જ્યારે અન્ય ત્રણ શખ્સ ને ફરારી જાહેર કરાયા છે.
જામનગરના દિગજામ ઓવર બ્રિજ સહિતના આસપાસના વિસ્તારમાં આવેલી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં દેશી દારૂની પ્રવૃત્તિ ચાલતી હોવાની તેમજ તેમાં મહિલા આ પ્રવૃત્તિમાં જોડાઈ છે તેવી બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે અલગ અલગ ઝુપડાઓમાં દરોડા પાડી સાત મહિલાઓ સામે દારૂબંધી ભંગ અંગેના કેસ કરાયા છે, અને તેઓના ઝુપડામાંથી દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી તથા અન્ય સાધનો વગેરે મળી આવ્યા હતા, જે તમામ જથ્થો કબજે કરી લઇ પોલીસ દ્વારા નિકાલ કરવામાં આવ્યો હતો, અને સાતેય મહિલાઓ સામે પોલીસ કેસ કરાયો છે. સમગ્ર જીલ્લા ભરના તમામ પોલીસ અધિકારીઓની ટીમ દ્વારા હાઇવે રોડ પરથી પસાર થતા વાહન ચાલકોને રોકીને તેઓના મોઢામાં બ્રેથ એનેલાઈઝર મશીન મૂકીને ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં હાઇવે રોડ પર આવેલા પાર્ટી પ્લોટ ગાર્ડન રેસ્ટોરન્ટ સહિતના ઓપન કે જાહેર સ્થળો કે જ્યાં ૩૧ ડીસેમ્બરની ઉજવણી થનાર છે, તે તમામ સ્થળો પર જઈને પોલીસ દ્વારા તકેદારીના ભાગરૂપે ચેકિંગ કરવામાં આવ્યું હતું જોકે કશું વાંધાજનક મળ્યું ન હતું.
0 Comments
Post a Comment