15 હજારથી 1.51 લાખ સુધીનું સ્ટોલ ભાડું તથા 2થી 5હજાર જાહેરાતના બેનર અને રૂ. 30 એન્ટ્રી ફી ઉઘરાવતી  

સ્કૂલની મંજૂરી સમયે સોંગદનામામાં આપવામાં બાહેંધરીના ખુલ્લેઆમ ભંગથી શિક્ષણ જગતને પણ આશ્ચર્ય: મોદી સ્કૂલ સામે જીએસટી અને ઇન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ ઊંડાણપૂર્વકની તપાસ કરે તો કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવી ચર્ચાએ જોર પકડ્યું

જામનગર મોર્નિંગ - જામનગર (પ્રવાસી પ્રતિનિધિ દ્વારા)

જામનગરની હંમેશા વિવાદસ્પદ રહેતી મોદી સ્કૂલ દ્વારા એન્યુઅલ ફંક્શન ઇવેન્ટ નામે બિઝનેશ ફેરનું ઓશવાળ સેન્ટરના ગ્રાઉન્ડમાં તા. 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી કરવામાં આવ્યું છે, ગઈકાલ તા. 20 ડિસેમ્બરથી આ બિઝનેશ ફેરનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જેના લીધે વિધાર્થીઓ તથા વાલીઓમાં ભારે રોષ જોવા મળે છે, કારણ કે કોઈપણ સરકાર માન્ય શૈક્ષણિક સંસ્થા આ રીતની પ્રોફેશનલી ઇવેન્ટ કરી શકતી નથી, છતાં પણ કાયદાની ઉપરવટ જઈ મોદી સ્કૂલના મેનેજમેન્ટ મોદી સ્કૂલના બેનર હેઠળ 100% પ્રોફેશનલી ઇવેન્ટ કરી રાજ્ય સરકારને ચેલેન્જ કરી છે, તેવું શૈક્ષિણિક વર્તુળોમાં ચર્ચાય રહ્યું છે, આધારભૂત વર્તુળના જણાવ્યા પ્રમાણે મોદી સ્કૂલ દ્વારા આ બિઝનેશ ફેરની ઇવેન્ટ માટે સ્ટોલ બુકીંગના પંદર હજારથી એક લાખ એકાવાન હજાર સુધીના ભાવો રાખેલ છે, તેમજ અહીં જાહેરાતના બેનર માટે પણ બે હજારથી લઇ પાંચ હજાર સુધીનો ચાર્જ વસુલ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત બિઝનેશ ફેરની એન્ટ્રીની ફી પણ એક વ્યક્તિ દીઠ રૂ. 30 વસુલવામાં આવી રહી છે, આ રીતની કોઈપણ ઇવેન્ટ કરવા માટે સૌ પ્રથમ તો જીએસટી નંબર ફરજીયાત  હોય છે, છતાં પણ મોદી સ્કૂલ દ્વારા જીએસટી ડિપાર્ટમેન્ટને આ ઇવેન્ટની કોઈપણ પ્રકારની જાણકારી આપી હોય તેવું બહાર આવ્યું નથી , આ માટે જીએસટી ડિપાર્ટમેન્ટે પણ મોદી સ્કૂલની આ ઇવેન્ટ અંગે તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે. તેમજ સ્કૂલના બેનર હેઠળ આ રીતની ઇવેન્ટ કરવા માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીની મંજૂરી લેવી પણ ફરજીયાત હોય છે.

છતાં પણ જિલ્લા શિક્ષણ કચેરીને અંધારામાં રાખીને મોદી સ્કૂલ દ્વારા આ રીતની પ્રોફેશનલી ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની શિક્ષણ જગતમાં ભારે ટીકા થઇ રહી છે, આ મોદી સ્કૂલ સૌથી વધુ ફી લેવા માટે પણ ખુબ જ જાણીતી છે, વર્ષે દાળે કરોડો રૂપિયા કમાતી મોદી સ્કૂલને પૈસા ઓછા પડતા હોય તે રીતે વધુ પૈસા કમાવાની લ્હાયમાં સરકારના નિયમોની ઐસીતૈસી કરી આ બિઝનેશ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર મોર્નિંગને અમુક વાલીએ ફરિયાદ કરતા જણાવ્યું હતું કે મોદી સ્કૂલના આ બિઝનેશ ફેર માટે અમારા બાળકોનો આ સ્કૂલે પુરેપુરો ઉપયોગ કર્યો છે, તેમ જણાવી અમારા બાળકોને સ્ટોલ બુકિંગ કરવા માટે તથા જાહેરાતના બેનર શહેરમાંથી લઇ આવવા માટે પણ પ્રેસર કરવામાં આવ્યું હતું, જેને કારણે અમારા ગ્રુપના જાણીતા લોકો પાસેથી ના છૂટકે આ ઇવેન્ટ માટે સ્ટોલ તથા સ્પોન્સરશીપ લઇ આવવાની ફરજ પડી હતી.  આ ઉપરાંત અમુક વાલીઓએ જામનગર મોર્નિંગને જણાવ્યું હતું કે આ સ્કૂલમાં એફઆરસી કરતા પણ ફીનું ધોરણ ખુબ જ ઊંચું રાખવામાં આવ્યું છે, આ બાબતનો કેટલાક જાગૃત વાલીઓએ વિરોધ કર્યો હતો અને મેનેજમેન્ટને કહ્યું હતું કે, તમારો એફઆરસીનો પરીપત્ર બતાવો ત્યારે મોદી સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા ગોળ ગોળ વાત કરી અમારી વાતને ઉડાવી દેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ એફઆરસીનો પરિપત્ર અમોને આજ સુધી બતાવવામાં આવેલ નથી, તથા અમોને પેમેન્ટ આપ્યાની પાકી પહોંચ પણ મળતી નથી. અમારી મજબૂરી છે કે, અમારા દીકરા-દીકરીનું ભવિષ્ય ન બગડે તે માટે અમો આ બાબતમાં શાંત રહી બધું સહન કરી રહ્યા છીએ.

મોદી સ્કૂલ દ્વારા બિઝનેશ ફેરનું ગત વર્ષમાં એટલે કે 2023માં પણ આ રીતનું પ્રોફેશનલી આયોજન કરવામાં આવ્યું હતું, તેમાં પણ આ મોદી સ્કૂલે લાખોની કમાણી કરી હતી. આધારભુત વર્તુળોમાંથી જાણવા મળ્યા પ્રમાણે મોદી સ્કૂલમાં અલગ-અલગ નામે સત્તર સ્કૂલો ચલાવવામાં આવી રહી છે, જેમાં ગુજરાતી મીડીયમ પ્રાયમરી, અંગ્રેજી માધ્યમ પ્રાયમરી, સીબીએસસી પ્રાયમરી, ગુજરાતી મીડીયમ હાઈસ્કૂલ, અંગ્રેજી માધ્ય્મ હાઈસ્કૂલ, ગુજરાતી માધ્યમ હાયર સેકેન્ડરી, અંગ્રેજી માધ્યમ હાયર સેકેન્ડરી સહિતની સત્તર સ્કૂલો એક જ સ્થળ ઉપર વીતરાગ ચેરીટેબલ ટ્રસ્ટ તથા ઔહમ ચેરીટેબલ ટ્રસ્ટ નામના બે ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહી છે, રાજ્ય સરકાર પાસેથી આ બંને ટ્રસ્ટ દ્વારા સત્તર સ્કૂલોની મંજૂરી લેવામી આવી છે, દુઃખની વાત એ છે કે, રાજ્યના શિક્ષણ વિભાગે નાની એવી જગ્યામાં સત્તર સ્કૂલોની મંજૂરી પણ આપી દીધી છે, એટલે કે વિધાર્થી અને વાલીઓ પાસેથી કરોડો રૂપિયા ઉઘરાવાનો પરવાનો મળ્યો હોય તે રીતે મોદી સ્કૂલનું મેનેજમેન્ટ કામ કરી રહ્યું છે, આ સત્તર સ્કૂલની મંજૂરી લેવાનો મતલબ એ પણ થાય છે કે, આ સ્કૂલના મેનેજમેન્ટને કરચોરી કરવાનો ઈરાદો પહેલથી જ હતો.

જો ખરેખર મોદી સ્કૂલ સત્તર સ્કૂલ એક જ જગ્યાએ ચલાવતી હોય તો સત્તર સ્કૂલના સત્તર પ્રિન્સિપાલ તેમજ સત્તર સ્કૂલ જેટલો સ્ટાફ હોવો જોઈએ, સરકારશ્રીના નિયમ પ્રમાણે પ્રિન્સિપાલ પણ બીએડ અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તેવા હોવા જોઈએ પરંતુ અહીં પ્રિન્સિપાલની સંખ્યા પણ સિંગલ ડીઝીટમાં જોવા મળી રહી છે, આ ઉપરાંત સ્કૂલમાં સરકારશ્રીના નિયમ પ્રમાણે વિધાર્થીના રમત-ગમત પ્રમાણે ગ્રાઉન્ડની પણ વ્યવસ્થા નથી, આ સ્કૂલની એન્ટ્રી પણ ખુબ જ નાની છે, ભવિષ્યમાં જો સદનસીબે આગ જેવી દુર્ઘટના ઘટે તો અહીંથી વિધાર્થીઓને બહાર નીકળવું પણ મુશ્કેલ બની રહે તેવું આ સ્કૂલના એન્ટ્રી ગેઇટ પરથી જણાઈ રહ્યું છે.

આ સ્કૂલની આવક બાબતે ઈન્કેમટેક્ષ ડિપાર્ટમેન્ટ ઊંડાણ પૂર્વકની તપાસ કરે તો કરોડો રૂપિયાની કરચોરી બહાર આવે તેવું જાણકાર વાલીઓ 'જામનગર મોર્નિંગ' ને જણાવી રહ્યા છે. વધુમાં વાલીઓ જણાવ્યું હતું કે, એક વાલીએ મોદી સ્કૂલની ફી બાબતે ફી રેગ્યુલેટરી કમિટીને ફરિયાદ કરી હતી, આ ફરિયાદના આધારે એફઆરસીએ તપાસ કરી મોદી સ્કૂલને દોષિત ઠેરવી 2.50 લાખનો કરો દંડ પણ ફટકાર્યો હતો, તેમજ ફરિયાદ કરનાર વાલીને પંદર હજાર રૂપિયા આપવા મોદી સ્કૂલને હુકમ કર્યો હતો.

આ ઉપરાંત એફઆરસીએ ફી ઉઘરાવા માટેના રેટ કાર્ડ મોદી સ્કૂલને 22-23 માટે આપ્યું હતું, પરંતુ તેની સામે મોદી સ્કૂલ ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ ફરિયાદ કરી હતી, પરંતુ મોદી સ્કૂલની એફઆરસી વિરુધ્ધની ફરિયાદ પણ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કાઢી નાખી હતી, ત્યારબાદ મોદી સ્કૂલનું મેનેજમેન્ટ એફઆરસીની ફરિયાદ લઈને ગુજરાત હાઇકોર્ટ પહોંચ્યું હતું. ત્યાં પણ હાઇકોર્ટના જસ્ટીસ નિખિલ એસ. કારીએલ મોદી સ્કૂલની ફરિયાદને કાઢી નાખી હતી. જેનો મતલબ એ થાય છે કે, મોદી સ્કૂલનો ગુજરાત હાઇકોર્ટમાં પણ શરમ જનક પરાજય થયો હતો. ત્યારબાદ મોદી સ્કૂલે એફઆરસીની ફરિયાદ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટે આ કેસની સુનવણી 3 જાન્યુઆરી 2025 રાખી છે. આમ પૈસાના મોહમાં મોદી સ્કૂલનું મેનેજમેન્ટ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ  વિરુધ્ધ સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યું છે, પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે પણ આ કેસનો સામનો કરવા માટે સુપ્રીમ કોર્ટના સિનિયર વકીલોને જવાબદારી સોંપી છે. મોદી સ્કૂલના આ રીતના રાજ્ય સરકારના સાથેના વ્યવહારથી રાજ્ય સરકાર પણ લાલધૂમ છે અને મોદી સ્કૂલ સામે લડી લેવાના મૂડમાં છે.  

આ ઉપરાંત શિક્ષણ કચેરીનો કોઈપણ સ્ટાફ નાની મોટી તપાસ અર્થે મોદી સ્કૂલમાં જાય છે, ત્યારે મોદી સ્કૂલનું મેનેજમેન્ટ આ રાજ્ય સરકારના કર્મચારી અધિકારીને કોઈપણ જાતનો સહકાર પણ આપતો નથી તેવી ફરિયાદ પણ કર્મચારી અને અધિકારીઓએ રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીને કરી છે.

જયારે પણ સ્કૂલની મંજૂરી લેવા માટે કોઈપણ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગને અરજી કરે છે ત્યારે રાજ્ય સરકારના નિયમ પ્રમાણે સેલ્ફ ફાયનાન્સ સ્કૂલના ટ્રસ્ટીઓએ એક સોગંદનામું રજૂ કરવાનું હોય છે. આ સોગંદનામામાં લખવામાં આવ્યું હોય છે કે, અમો સ્કૂલના નામે કોઈપણ પ્રકારના ગેરકાનૂની કાર્ય કરીશું નહીં તેમજ અમો સ્કૂલના નામે શિક્ષણ સિવાય કોઈ કાર્ય કરીશું નહીં, અમો સરકારના નીતિ-નિયમો પ્રમાણે સ્કૂલ ચલાવીશું, સરકારના જવાબદાર કર્મચારી કે અધિકારી જયારે પણ અમારી સ્કૂલ પર આવે ત્યારે પૂરતો સહકાર આપીશું તથા તપાસ માટેના જે કાંઈ પેપરો માંગે તે અમો કોઈપણ જાતના ખચખચાટ વગર આપીશું તેમજ અમારી વિરુધ્ધ કોઈ ફરિયાદ હોય તો અમો તેની તપાસ માટે પૂરતો સહકાર આપીશું.

આમ સોગંદનામા સમયે રાજ્ય સરકારને આ પ્રકારની દરેક સ્કૂલ દ્વાર બાંહેધરી આપવામાં આવેલી હોય છે, મોદી સ્કૂલ દ્વારા પણ આ સત્તર સ્કૂલની મંજૂરી લેવામાં આવી ત્યારે રાજ્ય સરકારને આ તમામ પ્રકારનું સોંગદનામું કરી બાંહેધરી આપવામાં આવી હતી, પરંતુ દુઃખની વાત એ છે કે, મોદી સ્કૂલ આ સોગંદનામાની બાંહેધરી ઐસીતૈસી કરી ખુલ્લે આમ કાયદાનો ભંગ કરી રહી છે.  

ગઈકાલે સાંજના બિઝનેશ ઇવેન્ટના ઉદ્ઘાટન સમયે નાના-નાના ભૂલકાઓને ગળા ઉપર મોટા-મોટા ઢોલો પહેરાવી મહેમાનોના સ્વાગત માટે વગાડવા મજબુર કર્યા હતા, જેનો પણ વાલીઓમાં રોષ જોવા મળ્યો હતો. આ તમામ નિયમોના ભંગ અંગે 'જામનગર મોર્નિંગે' જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલ મહેતાનો સંપર્ક કર્યો હતો. જેમાં વિપુલ મહેતાએ જણાવ્યું હતું કે, મોદી સ્કૂલના બિઝનેશ ફેરના સ્થળની આજે શનિવારે જિલ્લા શિક્ષણ કચેરીના સ્ટાફ દ્વારા મુલાકાત લઇ રોજકામ કરવામાં આવશે. રોજકામ કરી આ બિઝનેશ ફેરનો સમગ્ર અહેવાલ રાજ્ય સરકારને મોકલવામાં આવશે. ત્યારબાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ મોદી સ્કૂલ ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તેમ જિલ્લા શિક્ષણધારીએ 'જામનગર મોર્નિંગ' ને જણાવ્યું હતું.