જામનગર જિલ્લામાં જુદા જુદા સ્થળે ૧૪ ટ્રેક્ટર તથા ટ્રોલી ની ચોરી કરી લેનાર બે શખ્સ સામે એલસીબી એ ગેંગકેસ નોંધ્યો છે. આ શખ્સો પાસે થી હાલમાં એલસીબીને જુદા જુદા વાહનની નવ ચાવી તથા બે છરી મળી આવ્યા હતા.
જામનગર જિલ્લામાં વાહન ચોરી અને ખાસ કરીને ટ્રેક્ટર તથા ટ્રેક્ટરની ટ્રોલીઓની ચોરીને અંજામ આપનાર જામનગર નાં અરશીભાઈ પૂંજાભાઈ કંડોરીયા (રહે. યાદવનગર) તથા ઘેલુભા નારૂભા જેઠવા (રહે. મયુર નગર)ને પૂર્વ બાતમીના આધારે જામનગર એલસીબીએ લાલપુર રોડ પર આવેલા ચેલા ગામના પાટીયા પાસેથી પકડી પાડ્યા હતા.
આ શખ્સો ત્યાં ચોરી કરવાની પેરવી કરતા હોવાની બાતમી એલસીબીને મળતા બંનેની અટકાયત કરાઈ હતી. તે પછી એલસીબીના હે.કો. ડી.એન. જાડેજા એ ફરિયાદ નોંધાવતા જમાદાર મયુદ્દીન સૈયદે બંને સામે ગેંગકેસ હેઠળ ગુન્હો નોંધાવ્યો છે.
આ આરોપીઓ સામે જામનગરના પોલીસ સ્ટેશનમાં ચાલુ વર્ષે ચાર ગુન્હા નોંધાયેલા છે. જ્યારે લાલપુર પોલીસ સ્ટેશનમાં ચોરીના ચાર ગુન્હાની નોંધ થઈ છે. તે ઉપરાંત પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુન્હા, કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બે ગુન્હા અને સિક્કા તથા મેઘપર પોલીસ સ્ટેશનમાં એક-એક ગુન્હાની નોંધ કરાઈ છે. આ શખ્સો પાસે થી એલસીબી એ જુદા જુદા વાહનની નવ ચાવી તથા બે છરી પણ કબજે કરી છે.
0 Comments
Post a Comment