વહેલી સવારે ટ્રિપલ અકસ્માતના કારણે ૪૫ મિનિટ સુધી ટ્રાફિક જામ થઈ જતાં અનેક લોકો અટવાયા: પોલીસની કવાયત
જામનગર મોર્નિંગ - જામનગર
જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર આજે વહેલી સવારે સરમત ગામના પાટીયા પાસે બે ખાનગી લક્ઝરી બસ તેમજ બોલેરો કાર વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બોલેરો કારની અંદર બેઠેલી ત્રણ વ્યક્તિઓને સામાન્ય ઇજા થઈ હતી, અને તેઓને જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી જવા દેવાયા હતા.
જામનગરથી મોટી ખાવડી તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ કે જેના ચાલકે એકાએક બ્રેક મારતાં તેની પાછળ આવી રહેલી બોલેરો કાર ધડાકાભેર બસની સાથે ટકરાઈ ગઈ હતી. ત્યારબાદ પાછળ આવી રહેલી બીજી ખાનગી લક્ઝરી બસ ધડાકાભેર બોલેરો સાથે ટકરાતાં બોલેરોનું પડીકું વળી ગયું હતું.
આ અકસ્માતને લઈને ભારે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જોકે લક્ઝરી બસમાં બેઠેલા કોઈ મુસાફરોને ઈજા થઈ ન હતી, અને તમામ મુસાફરો બસમાંથી ઉતરી ગયા હતા. જે લોકો બીજા વાહનો મારફતે પોતાના કામ ધંધા તરફ રવાના થયા હતા. આ અકસ્માતના બનાવની જાણ થતાં સિક્કા પોલીસ સ્ટેશનનો સ્ટાફ બનાવના સ્થળે દોડી ગયો હતો, અને આશરે ૪૫ મિનિટની જહેમત લઈને ટ્રાફિક જામને હળવો કરીને વાહન વ્યવહાર પૂર્વવત બનાવ્યો હતો.
વહેલી સવારે મોટી ખાવડી સહિતની જુદી જુદી ખાનગી કંપનીઓમાં અથવા તો અન્ય ધંધા ના સ્થળે જઈ રહેલા લોકો ફસાયા હતા, અને થોડો સમય માટે દેકરો બોલી ગયો હતો. પરંતુ મોડેથી ધીમે ધીમે ટ્રાફિકને પૂર્વવત બનાવી દીધો હતો. જો કે આ સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાવાઇ નથી.
0 Comments
Post a Comment